હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમરેલીના રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. સાથે ગ્રામ્ય વિસ્તાર દેવકા, ડુંગર, ખાંભલીયા સહિત ગામડામાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજાવદર તેમજ બોરડી ગામે બપોર બાદ સારી માત્રામાં જોરદાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામની રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક ખેતરમાં ઉભેલા પાકને આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે, જ્યારે બાજરી જેવા પાકને નુકસાનકારક બની રહ્યો છે.