નિવૃત્ત માટે આર્થિક આઝાદી હાંસલ કરવાની આકાંક્ષા માટે કાળજીપૂર્વકનું આયોજન અને શિસ્તબદ્ધ અમલીકરણ જરૂરી છે. આ અનેકવિધ તબક્કા સાથેની લાંબા ગાળાની સફર છે. વ્યક્તિની વર્તમાન નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, ચોક્કસ લક્ષ્યો નિર્ધારિત કરવાની સાથે જ બચત માટેની મજબૂત યોજના, એ બધુ જ નિવૃત્તિ બાદ તમારું જીવન કેવું હશે તે નક્કી કરે છે. મજબૂત રિટાયરમેન્ટ પ્લાનિંગ એ માત્ર એવો તબક્કો નથી જ્યાં બચત અને રોકાણથી માત્ર રોજિંદા ખર્ચાઓ કવર થઇ શકે, પરંતુ તેનાથી પણ વિશેષ નિવૃત્તિ બાદ એક ઇચ્છિત જીવનને માણવાનું છે. નિવૃત્તિ માટેના આર્થિક આયોજનનો આ ફંડા બંધન AMCના સેલ્સ અને માર્કેટિંગ હેડ ગૌરવ પરિજાએ દર્શાવ્યો હતો.
કાળજીપૂર્વકના આયોજન અને શિસ્તબદ્ધ નાણાકીય સંચાલન સાથે તમે નિવૃત્તિના દિવસો જુસ્સો, અનેકવિધ સ્થળોએ સહેલગાહ અને નાણાકીય રીતે ચિંતામુક્ત થઇને માણી શકો છો. બચત માટેનો એક સુવ્યાખ્યાયિત પ્લાન એ છે કે તમે ન માત્ર નાણાકીય જરૂરિયાતો પરંતુ વ્યક્તિગત ઇચ્છાઓના આધારે પસંદગી કરી શકો. આ માટે નિવૃત્તિના લક્ષ્યો નક્કી કરવા ખૂબ જરૂરી છે. જે ઉંમરે વ્યક્તિ નિવૃત્ત થવા માંગે છે અને જે ઇચ્છિત જીવનશૈલી અપનાવવા માંગે છે તેના માટે નિવૃત્તિ દરમિયાન આર્થિક આઝાદી શું છે તે નક્કી કરવું જરૂરી છે. ચોક્કસ નિવૃત્તિ લક્ષ્યાંકો તમને આર્થિક આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સક્ષમ બનાવે છે. તમારા નિવૃત્તિ માટેના ફંડમાં નિવૃત્તિ બાદ આરોગ્યસંભાળ અને જીવન જરૂરી ખર્ચને પણ ધ્યાનમાં લેવા જોઇએ. આ પરિબળોને ધ્યાનમાં રાખીને તમે એક વાસ્તવિક ફાઇનાન્સિયલ પ્લાન બનાવી શકો છો.
એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સમય જતા ફુગાવાની અસરને કારણે તમારી નિવૃત્તિની બચતમાં પણ ઘટાડો થશે. તમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર રહેશે કે તમારું રોકાણ વૈવિધ્યસભર છે અને ફુગાવાની સામે સંભવિત સારું રિટર્ન આપે તેવી એસેટ્સ સુધી પહોંચ છે. નિવૃત્તિના આયોજનના ભાગરૂપે ફુગાવાનું અનુમાન એ લાંબા ગાળે તમારી બચતના મૂલ્યને સાચવી રાખવા માટે જરૂરી છે. અર્થતંત્રમાં થતા ફેરફારને અનુસાર તમારા આર્થિક લક્ષ્યો તેમજ બજેટને સમયાંતરે ચેક કરતા રહો. તમે જેટલા વધુ તૈયાર અને અનુકૂલનશીલ રહેશો, એટલું જ વધારે તમારી આવકને ફુગાવા સામે રક્ષણ મળશે.