દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ દિલ્હીની એઈમ્સના સર્વર પર હુમલો કરનારા હેકર્સે ક્રિપ્ટો કરન્સીમાં 200 કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી છે. હેકર્સે સર્વર બાનમાં લઇ લીધા બાદ છઠ્ઠા દિવસે પોતાની માગ મૂકી છે. એઈમ્સનું સર્વર સોમવારે છઠ્ઠા દિવસે પણ ડાઉન રહેતા પરેશાની યથાવત્ રહી. તેમાં પૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ, અધિકારીઓ તેમજ ન્યાયાધીશો સહિત કેટલાક અતિ મહત્ત્વના વ્યક્તિ (વીઆઇપી)ના ડેટા છે.
આશંકા છે કે આ હુમલાના કારણે આશરે ત્રણ-ચાર કરોડ દર્દીઓનો ડેટા લીક થઇ શકે છે. પોલીસે 25મી નવેમ્બરે બળજબરીપૂર્વક વસૂલી અને સાયબર આતંકવાદનો કેસ દાખલ કર્યો હતો. કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સર્ટ-ઇન), દિલ્હી પોલીસના સાયબર સેલ, એનઆઇસી તેમજ ગૃહમંત્રાલયના અધિકારીઓ આ હુમલાના કેસમાં તપાસ કરી રહ્યા છે. તપાસ સંસ્થાઓની ભલામણ પછી હોસ્પિટલમાં કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે.
દરમિયાન એનઆઇસી ઇ-હોસ્પિટલ ડેટાબેઝ તેમજ ઇ-હોસ્પિટલ માટે એપ્લિકેશન સર્વરની શરૂઆત કરવામાં આવી છે. એનઆઇસી ટીમ એમ્સમાં સ્થિત અન્ય ઇ-હોસ્પિટલ સર્વરોથી સંક્રમણને સ્કેન અને દૂર કરી રહી છે. હોસ્પિટલનાં તમામ કામો મેન્યુઅલ મોડમાં થઇ રહ્યા છે. હજુ નેટવર્કને સંપૂર્ણપણે વ્યવસ્થિત કરવામાં પાંચ દિવસ બીજા લાગી શકે છે.