ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, ભારતના 100 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ 9% ઘટીને 1 ટ્રિલિયન ડોલર અથવા આશરે ₹88 લાખ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષે, તેમની કુલ સંપત્તિ 1.1 ટ્રિલિયન ડોલર અથવા આશરે ₹97 લાખ કરોડ હતી.
દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ₹9.32 લાખ કરોડ સાથે ટોચ પર છે, જોકે તેમાં 12%નો ઘટાડો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની કુલ સંપત્તિ ₹1.29 લાખ કરોડ ઘટી છે. ગૌતમ અદાણી ₹8.17 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમે છે.
100 સૌથી ધનિક લોકોની નેટવર્થમાં 100 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ નુકસાન રૂપિયાના નબળા પડવા અને શેરબજારમાં ઘટાડાને કારણે થયું છે. આ ઘટાડો સૂચવે છે કે વૈશ્વિક બજારની અસ્થિરતા અને રોકાણકારોની નરમ ભાવનાએ ભારતીય અબજોપતિઓની સંપત્તિ પર અસર કરી છે.
વારી એનર્જી ચલાવતા દોશી ભાઈ-બહેનો આ વર્ષની યાદીમાં 37મા ક્રમે આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 7.5 અબજ ડોલર અથવા આશરે ₹67,000 કરોડ હોવાનો અંદાજ છે.
ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની ઓથમ ઇન્વેસ્ટમેન્ટ્સના અલ્પના ડાંગી 67મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 4.3 બિલિયન ડોલર અથવા આશરે ₹38,000 કરોડ છે.
ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ડિક્સન ટેક્નોલોજીસના સ્થાપક સુનિલ વાછાણી 80મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 3.85 બિલિયન ડોલર એટલે કે આશરે 34,000 કરોડ રૂપિયા છે.