આગામી મહિને વેસ્ટ ઈન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચ અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.
યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને સ્થાન મળ્યું છે. આ સાથે જ ફાસ્ટ બોલર નવદીપ સૈનીની વાપસી થઈ છે. ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેને વાઇસ-કેપ્ટનશિપની જવાબદારી મળી છે.
રહાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં 18 મહિના બાદ ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો છે. રહાણેએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 89 અને 46 રનની ઇનિંગ્સ રમી હતી.
સંજુ સેમસનની વન-ડે ટીમમાં વાપસી
વિકેટકીપર સંજુ સેમસનની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા છે.
બે ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચોની સિરીઝ
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી રમાશે. આ પછી 20 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમાશે. વન-ડે સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે, જ્યારે પાંચ મેચની ટી-20 સિરીઝ 3 ઓગસ્ટથી રમાશે.