દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 182 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 5 વિકેટે પાર પાડી દીધો હતો. પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતના બધા જ બોલરોને વિકેટ મળી હતી. મોહમ્મદ નવાઝને તેની આ ધમાકેદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
અર્શદીપ સિંહે પાકિસ્તાનની 17.3 ઓવરે રવિ બિશ્નોઈની બોલિંગમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. જેના પછી મેચ પલટાયો હતો. આસિફ અલીએ 8 બોલમાં 16 રન બનાવી દીધા હતા. એશિયા કપમાં પાકિસ્તાને 8 વર્ષે ભારતને હરાવ્યુ છે. આ અગાઉ 2014ના એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 1 વિકેટે હરાવ્યુ હતુ.