વુમન્સ વનડે વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે 53 રને ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય મહિલા ટીમે આ ટાઈટલ પ્રથમવાર જીત્યું છે. મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી.
મહિલા ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ સુરત શહેર સંપૂર્ણપણે ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું. શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગળ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.સામાન્ય રીતે વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતો ભાગળ વિસ્તાર રાત્રે લાઇટો અને ફટાકડાની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા સુરતીઓએ પોતાના રાષ્ટ્રીય ગૌરવ અને આનંદની લાગણીને જોરદાર રીતે વ્યક્ત કરી હતી.