Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલી અત્યાધુનિક કેથલેબને હાલમાં અલીગઢી તાળાં લાગેલા છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છનાં હૃદયરોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકતી નથી. અંદાજીત રૂ. 10 કરોડના ખર્ચે સાધનો અને મશીનરી સહિતની વ્યવસ્થા ઊભી કરવા છતાં, નિષ્ણાત તબીબની કાયમી સુવિધાના અભાવે આ મહત્વની સેવા થંભી ગઈ છે. જોકે હાલ કાર્ડિયોલોજી વિભાગનું સંપૂર્ણ સંચાલન અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને જ સોંપી દેવામાં આવતા ટૂંક સમયમાં સારવાર શરૂ થવાની આશા જાગી છે.

સિવિલ હોસ્પિટલમાં એક પણ કાર્ડિયોલોજિસ્ટ તબીબ કાયમી ધોરણે ઉપલબ્ધ ન હોવાથી હૃદયની બીમારી માટે આવતા દર્દીઓને હાલ પૂરતી તપાસ કરીને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે. હાલ સિવિલના ડોક્ટરો દ્વારા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના કાર્ડિયોલોજિસ્ટ પાસે સલાહ લઈને દર્દીઓને આગળની સારવાર માટે મોકલી આપવા પડે છે.