રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા યુદ્ધ અને રેડ સીની વચ્ચે ભારતમાં અર્થતંત્રને લઇને સારા સમાચાર છે. વિશ્વભરમાં 2024માં અત્યાર સુધી 38 આઇપીઓ આવ્યા છે, જેમાં સર્વાધિક 11 ભારતના છે. બ્લૂમબર્ગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી એશિયા પેસિફિક એક્સચેન્જ પર 34 હતા. જ્યારે, કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અનુસાર, ભારતમાં આગામી 12 થી 24 મહિનામાં લગભગ 15-20 સ્ટાર્ટઅપ યુનિકોર્ન આઇપીઓ લાવવાની તૈયારીમાં છે.
દલાલ સ્ટ્રીટની જોરદાર તેજી અને અનેક આઇપીઓના શાનદાર લિસ્ટિંગથી શેરમાર્કેટમાં રોકાણકારોનો ભરોસો વધી રહ્યો છે. જેને કારણે ડિસેમ્બરમાં 42 લાખ નવા ડિમેટ ખાતા ખુલવાનો રેકોર્ડ નોંધાયો છે. ડિસેમ્બરમાં 42 લાખ નવા ખાતાની સંખ્યા નવેમ્બર મહિનાના 28 લાખની તુલનામાં 50% વધુ છે. 2023માં ડીમેટ એકાઉન્ટની કુલ સંખ્યા વધીને 13.9 કરોડ થઇ હતી. ગત વર્ષે સરેરાશ દર મહિને 21 લાખન નવા ડિમેટ એકાઉન્ટ ખોલાયા છે.