વિશ્વની ત્રીજી સૌથી વધુ કારોબાર માટે ઉપયોગમાં લેવાતી કરન્સી, યેન માટે વર્ષ 2024 ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઇ રહ્યું છે. દર 20 વર્ષમં યેનને રિડિઝાઇન કરીને નવું સ્વરૂપ આપવામાં આવે છે. અત્યારની નોટ્સ પ્રથમવાર 2004માં છાપવામાં આવી હતી. આ વર્ષે જુલાઇમાં તેને બદલે નવી નોટ ચલણમાં આવશે. પરંતુ સમસ્યા એ છે કે જાપાનમાં બેન્ક નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પરંપરાગત કાગળ મિત્સુમાતાની સપ્લાય છેલ્લા કેટલાક સમયથી ઘટી ગઇ છે. જાપાનની સરકાર માટે કાગળ બનાવતી કંપની કાનપોના અધ્યક્ષને ખબર હતી કે મિત્સુમાતાની ઉત્પત્તિ હિમાલયમાં થઇ હતી.
એટલે જ તેઓએ નેપાળની તળેટીમાં શોધખોળ કરી અને જાણવા મળ્યું કે નેપાળની અરગેલી નામનું જંગલી ઝાડી તેનો વિકલ્પ હોય શકે છે. નેપાળમાં હિમાયલની તળેટીમાં રહેતા પાસંગ શેરપા જેવા અનેક ખેડૂતો આ ઝાડીનો ઉપયોગ બળતણ માટેના લાકડા માટે કરતા હતા.
2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ જાપાનીઓએ નેપાળના ખેડૂતોને આ ઝાડી ઉગાડવા અને તેમાંથી યેન કરન્સીને લાયક કાગળ બનાવવા માટે તૈયાર કરવા હેતુસર તાલીમ આપવા માટે નિષ્ણાત મોકલ્યા હતા. પાસંગ કહે છે કે મે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આ ઝાડી જાપાનને નિકાસ થઇ શકે છે અને અમને લાખો રૂપિયાની આવક કરાવી શકે છે. હવે પાસંગ શેરપા દર વર્ષે યેન બનાવવામાં ઉપયોગ થતી અરગેલીની છાલનું ઉત્પાદન કરે છે. જાપાનના નિષ્ણાતોએ તેમને શીખવ્યું છે કે કઇ રીતે અરગેલીની ઝાડીને પ્રોસેસ કરવામાં આવે છે. આ વર્ષે પાસંગ શેરપાએ અંદાજે 60 સ્થાનિક લોકોને પોતાની સાથે જોડ્યા છે.