રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઠારીયામાં આવેલી રૂ.2 કરોડની કિંમતની 250 મીટર ULC એટલે કે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ આવતી સરકારી ફાજલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કારખાનું ખડકાઈ ગયું હતું. જોકે તાલુકા મામલતદાર તંત્રને ધ્યાને આવતા નોટિસ આપ્યા બાદ આજે અહીં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
રાજકોટ તાલુકા મામલતદાર મકવાણાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા કોઠારીયા વિસ્તારમાં ત્રાટકીને યુએલસીની ફાજલ જમીન ખુલ્લી કરાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠારીયામાં આવેલી અંદાજે 250 ચોરસ મીટર જેટલી યુએલસીની ફાજલ જમીન પર રમેશ સાવલિયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર તંત્રની પરવાનગી વગર આખો કારખાનાનો શેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો.
અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ આ બાબત ધ્યાન પર આવતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતુ અને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ કાફલા સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતુ. તાલુકા મામલતદારની સૂચના બાદ મામલતદાર ભૂમિબેન લાવડીયા, નાયબ મામલતદાર જોશી અને તલાટી કલ્પના ગોરની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્રની ટીમે જેસીબીની મદદથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કારખાનાના શેડને તોડી પાડ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ તંત્રની આ કડક કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.