Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટ શહેરમાં અચાનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમ મોકલી દીધી છે જે સીધી મનપાની આરોગ્ય શાખા સુધી પહોંચી હતી અને સરવે કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ મિઝલ્સ એટલે કે ઓરીના કેસને લઈને ચિંતિત છે અને રાજકોટમાં તેની સ્થિતિ જાણીને ડબ્લ્યુએચઓને રિપોર્ટ કરવા માટે તૈયારી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરીના કેસ તેમજ અછબડાના કેસ ચિંતાજનક રીતે વધી ગયા છે. ગત સપ્તાહે આ કેસની સંખ્યા 1000 કરતા પણ વધી હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે.


આ ઉપરાંત ગાંધીનગરમાં પણ કેસ દેખાતા રાજકોટ તરફ આ રોગ પહોંચ્યો છે કે નહિ તેમજ કોઇ શક્યતા છે કે નહિ તે ચકાસવું જરૂરી બન્યું છે. જો કેસ દેખાય તો તુરંત જ કાર્યવાહી કરીને રસીકરણ સહિતની કાર્યવાહી કેટલી ઝડપથી કરવી આ બધી જ બાબતોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમનું ગઠન કરીને મનપા પાસે તપાસ માટે મોકલી છે. આ ટીમ હાલ રાજકોટ શહેરના છૂટા છવાયા વિસ્તારોમાં જઈને વેક્સિનેશનની સ્થિતિ જાણી રહી છે તેમજ તેની સાથે મનપાનો પણ સરવે શરૂ થયો છે.

આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં નવેમ્બર માસ એટલે કે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કેસ વધવાના શરૂ થયા હતા ત્યારે શહેરમાં છૂટા છવાયા વિસ્તારોમાંથી 120 સેમ્પલ લેવાયા હતા. આ 120 સેમ્પલમાંથી 5માં ઓરી હોવાનું જણાયું હતું.

જોકે આ સંખ્યા હજુ પણ રાજ્ય સરકારે નક્કી કરેલા ધારાધોરણો કરતા ઓછી હોવાનું તંત્રે જણાવ્યું છે. જે કેસ નીકળ્યા છે તે તમામ અલગ અલગ વિસ્તારના છે અને ઓરી વિરોધી રસીનો એક પણ ડોઝ નહિ તેમજ બીજો ડોઝ બાકી હોય તેવા જ કેસ છે બંને ડોઝ લીધા હોય તેમાં કેસ જોવા મળ્યા નથી. આ કારણે હાલ સરવે ચાલી રહ્યો છે અને રાજકોટમાં વેક્સિનેશનનું કવરેજ ખાસ કેટલું છે તેના પર ટીમ ભાર દઈ રહી છે.