ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે T20 સિરીઝ જીતી લીધી છે. ટીમે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ 33 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમે બાઇલેટરલ સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 23 ઑગસ્ટે રમાશે.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતે ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયરિશ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી.
આયર્લેન્ડ તરફથી એન્ડ્રુ બલબિર્નીએ 72 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટર ચાલ્યો નહતો. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. તો અર્શદીપ સિંહને 1 સફળતા મળી હતી.
આઇરિશ ઓપનર એન્ડ્રુ બલબિર્નીએ T20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન પૂરા કર્યા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે બીજો આયરિશ બેટર બની ગયો છે. બાલબિર્નીએ ઇનિંગ્સનો 31મો રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.
પાવરપ્લેમાં આયર્લેન્ડને 3 ફટકા પહોંચ્યા
186 રનના વિશાળ લક્ષ્યાંકને ચેઝ કરતા આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર 6 ઓવરમાં 31 રન હતો.