58 વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થોડો સુધારો આવ્યો છે, પરંતુ હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં સારવાર ચાલી રહી છે. રાજુ શ્રીવાસ્તવને લઈને ત્રીજા દિવસે સારા સમાચાર આવ્યા છે. તેમના શરીરમાં હલનચલન જોવા મળી રહ્યું છે. 48 કલાકમાં પહેલીવાર ગુરુવારે રાતે 10 વાગ્યે પગમાં હલનચલન જોવા મળ્યું હતું. આ જાણકારી કાર્ડિયોલોજિસ્ટ અને રાજુની સારવાર કરી રહેલા ડોક્ટર સંદીપ શેઠે આપી છે.
ગૃરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીએ રાજુની પત્ની શિખાને ફોન કરીને તેની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ઉત્તરપ્રદેશના CM (ચીફ મિનિસ્ટર) યોગી આદિત્યનાથે પણ શિખા સાથે ફોન પર વાત કરીને તબિયત અંગે પૂછ્યું હતું. આ ઉપરાંત તેમણે શક્ય એટલી મદદ કરવાનું આશ્વસાન આપ્યું હતું.
ડોકટરે કહ્યું, પગમાં હલનચલન થવું એ સારો સંકેત
રાજુના ભત્રીજાએ જણાવ્યું હતું કે ડોક્ટરોએ કહ્યું છે કે તેણે 48 કલાક પછી ગુરુવારે મોડી રાત્રે રાજુ શ્રીવાસ્તવે જાતે જ પોતાનો પગ મચકોડ્યો છે, આ સારો સંકેત છે. આ સાથે જ એઇમ્સ દિલ્હીએ પણ મોડી રાત્રે હેલ્થ બુલેટિનમાં જાણકારી આપી છે કે હવે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે કહ્યું હતું, તેમને હાલપૂરતા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. બ્રેન હજી પણ રિસ્પોન્સ કરતું નથી.
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો રાજુ બુધવારે સવારે વર્કઆઉટ માટે જિમ ગયા હતા, જ્યાં અચાનક જ હાર્ટમાં દુખાવો થતાં બેહોશ થઇ ગયા હતા. બાદમાં દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
છેલ્લાં 10 વર્ષમાં 3 વાર થઇ એન્જિયોપ્લાસ્ટી
છેલ્લાં 10 વર્ષમાં રાજુ શ્રીવાસ્તવે ત્રણ વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહેલીવાર એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ બાદ 7 વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જ ફરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી બુધવારે ત્રીજી વખત ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવ પર એન્જિયોપ્લાસ્ટી કરી છે.