શહેરમાંથી બે દિવસ પહેલાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મંગળવારે ભાંડાફોડ કરેલા મસમોટા ક્રિકેટ સટ્ટાની તપાસની તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાથમિક તપાસમાં બે માસ્ટર આઇડીમાંથી અધધ 24 કરોડના વ્યવહાર થયાનું અને બંને આઇડીમાં સોદા નાંખનાર 28 ગ્રાહકના નામ તપાસમાં ખુલ્યા છે.ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતની ટીમે ચોક્કસ માહિતીના પગલે એસ્ટ્રોન ચોક પાસેથી સુકેતુ ભૂતા, હનુમાનમઢી પાસેથી ભાવેશ ખખ્ખર અને નવાગામમાંથી નિશાંત હરેશ ચગ નામના બુકીને તેમની ઓફિસમાંથી રૂ.11.65 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલા ત્રણેય બુકી કુખ્યાત બુકી રાકેશ ઉર્ફે રાકલો રાજદેવના ભત્રીજા તેજશ રાજુ રાજદેવ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ઉર્ફે દીપક ખમણ અને તેના મોટાભાઇ નિરવ પોપટ પાસેથી ચેરીબેટ નાઇન ડોટ કોમ અને મેજિક એક્સચેન્જ ડોટ કોમ નામની આઇડી મેળવી સટ્ટો રમાડતા હોવાની કબૂલાત આપી હતી.જોકે પોલીસની શરૂઆતની પ્રાથમિક તપાસમાં 5થી 7 કરોડના વ્યવહારો થયાનું જાણવા મળ્યું હતું, પરંતુ પીએમ આંગડિયા પેઢીના ઓઠા હેઠળ કુખ્યાત રાકેશ ઉર્ફે રાકલાનો ભત્રીજો તેજશ રાજદેવ સટ્ટાનો પણ કરોડોનો આર્થિક વ્યવહાર કરતો હોવાની પોલીસને શંકા ગઇ હતી.
સુકેતુ, ભાવેશ અને નિશાંતની ધરપકડ કરી તેજશ રાજદેવ સહિત ત્રણ બુકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યાની ખબર પડતાં તેજશ રાજદેવ, અમિત પોપટ અને નિરવ પોપટ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બીજી તરફ પોલીસે બુકીના આઇડી પર તપાસ શરૂ કરી હતી. જેની તપાસમાં પોલીસને ચેરીબેટ નાઇન ડોટ કોમ નામની આઇડીમાં રૂ.19,98,32,642ના વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ તે આઇડીમાંથી 14 પેટા બુકીના ટૂંકા નામ મળ્યા હતા.
જેમાં પિન્ટુ જેતપુર, સંજય રાજકોટ, ગૌરાંગ મોરબી, પીનકેશ વાણિયા સુરત, ચંદ્રેશ રાજકોટ, ગુલુ રાજકોટ, સાજિદ અંકલેશ્વર, નિનાદ માંડલ, પીયૂષ રાજકોટ, પ્રથમેશ રાજકોટ, પરાગ અમરેલી, જયેશ રાજકોટ, સંજય સુરત અને એક ડેમો લખેલું નામ મળ્યું હતું. જ્યારે બીજી આઇડી મેજિક એક્સચેન્જ ડોટ કોમમાં રૂ.3,42,36,313ના વ્યવહારો મળી આવ્યા હતા. જેમાં આઇડીમાં મળેલા પેટા બુકીના 14 નામોમાં કિશન સાવરકુંડલા, કુમાર સાવરકુંડલા, મહેશ આસોદરિયા રાજકોટ, રાજુ સોમાણી વાંકાનેર, નિશાંત છગ, પ્રથમેશ રાજકોટ, તેલી અમરેલી, કે.કે., એલ.કે., હરી રાજુલા, ઇમરાન, જતિન, પરાગ અને પંકજના નામ મળી આવ્યા હતા.