રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક ગુરુવારે રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટ શહેરના બે નિવૃત્ત એએસઆઇ સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા, જ્યારે ઘવાયેલા છ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગર રોડ પરાસરપાર્કમાં રહેતા નિવૃત્ત ASI પૃથ્વીરાજસિંહ જાડેજાના ભત્રીજાના સસરા કિરીટસિંહ વાઘેલાએ ડાકોરમાં સપ્તાહનું આયોજન કર્યું હોય પૃથ્વીરાજસિંહ અને તેના પરિવારજનોએ ડાકોર જવાનું નક્કી કર્યું હતું અને મનહરપુરમાં રહેતા નિવૃત્ત એએસઆઇ જયેન્દ્રસિંહ ઝાલાની ઇકો કાર ભાડે રાખી હતી.
જાડેજા પરિવાર ઇકો કારમાં ગુરૂવારે વહેલી સવારે ડાકોર જવા નીકળ્યો હતો અને બપોર સુધી સપ્તાહ સાંભળ્યા બાદ પરત રાજકોટ આવવા નીકળ્યો હતો. રાત્રીના 10.45 વાગ્યે કાર માલિયાસણ નજીક પહોંચી હતી ત્યારે ઇકો ચાલક નિવૃત્ત એએસઆઇ જયેન્દ્રસિંહને બંધ ઊભેલી ટ્રક દેખાઇ નહોતી અને કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.