દેશમાં દર વર્ષે આશરે 40થી 60 લાખ આરટીઆઈ દાખલ થઈ રહી છે. એટલે કે દર મિનિટે આશરે 11 અરજી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, આ માહિતી આપવાનો ઈનકાર કરવાના કેસનો ઉકેલ આવતા અનેક વર્ષો લાગી જાય છે.
એટલે કે જો પશ્ચિમ બંગાળમાં પહેલી જુલાઈ, 2022ના રોજ માહિતી નહીં મળ્યાની ફરિયાદ કરાય, તો તેનો ઉકેલ આવવામાં 24 વર્ષ, ત્રણ મહિના વીતી જશે. જ્યારે માંડ એક વર્ષ પહેલા આ સમયગાળો ચાર વર્ષ, સાત મહિનાનો હતો.
સતર્ક નાગરિક સંગઠન દ્વારા માહિતી અધિકાર કમિશનરોના દેખાવને લઈને જારી એક અહેવાલમાં આ આંકડા સામે આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, પૂરતો સ્ટાફ નહીં હોવાથી ફરિયાદની અરજીઓનો ઢગલો સતત વધી રહ્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિતિ થોડી સારી છે અને છતાં આઠ-નવ મહિના રાહ જોવી પડે છે.
RTI હેઠળ રાજ્યના માહિતી અધિકાર કેન્દ્રમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને દસ સૂચના કમિશનર નિમેલા હોવા જોઈએ. મહારાષ્ટ્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિત પાંચનો સ્ટાફ છે.