ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટે મંગળવારે કહ્યું હતું કે તે મહિનામાં માત્ર એક જ વાર કોવિડ ડેટા જાહેર કરશે. સેન્ટર અનુસાર, કોવિડ હવે બી કેટેગરીની બીમારીમાં સામેલ છે, આથી રોજ ડેટા આપવો જરૂરી નથી.
આ વચ્ચે ન્યૂયોર્ક ટાઈમના એક રિપોર્ટ અનુસાર, ચીનની મોટા ભાગની હોસ્પિટલમાં સ્ટાફની પણ ખોટ વર્તાઈ રહી છે. કેટલીક હોસ્પિટલ એવી છે, જ્યાં પહેલા 15 લોકોનો સ્ટાફ હતો, હવે માત્ર 2 કે 3નો રહી ગયો છે.
બીમારી વધુ ભયંકર નથી
સમાચાર એજન્સી રોઇટર્સે ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને એક રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં કહેવામાં આવી રહ્યું છે કે કોવિડને બી કેટેગરીમાં એટલે રાખેલું છે, કારણ કે એ વધુ ખતરનાક નથી અને આથી રોજ ડેટા આપવો જરૂરી નથી. રિપોર્ટ અનુસાર, કોવિડ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી વધુ કંઈ નથી.
ચીને વધુ એક પગલું ભર્યું છે. હવે 8 જાન્યુઆરીથી અન્ય દેશોમાંથી ચીન આવનારા લોકોને ક્વોરન્ટીન થવાની જરૂર રહેશે નહીં. અગાઉ શી જિનપિંગ સરકારે પણ તેની તમામ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો એવા લોકોને થશે, જેઓ અન્ય દેશોમાં છે અને દેશમાં પરત ફર્યા બાદ તેમના પરિવારજનોની સુખાકારી જાણવા માગે છે.