પંચમહાલ જિલ્લાના ગોધરાના નદીસર ગામની શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં શિક્ષકો યોગ્ય રીતે ન ભણાવતા હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં રોષ ઠાલવ્યો હતો. રોષ પ્રગટ કરેલી ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લા શિક્ષણાધિકારી તપાસ અર્થે શાળામાં આવતાં વિદ્યાર્થીઓએ રડમસ અવાજે અધિકારીને રજૂઆત કર્યા બાદ શિક્ષણ ન મળતાં વિદ્યાર્થીઓએ શાળાનો ગેટ બંધ કરી દેતા શિક્ષણાધિકારી દોઢ કલાક પુરાયેલા રહ્યા હતા. સમજાવટ બાદ ગેટ ખૂલ્યો હતો.
ગોધરા તાલુકાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લિશ સ્કૂલ શાળાના ધોરણ 10ના 300 જેટલા વિદ્યાર્થીઓને શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ભણાવતા ન હોવાનો મામલો ઉછળ્યો હતો. શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તરવહીમાં જવાબો લખવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ અને હૈયાવરાળ ઠાલવી હતી. જે સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ હતી.
ધોરણ 10ના વિદ્યાર્થીઓએ જવાબવહીમાં શિક્ષકો નહિ આવતા અભ્યાસ બગડી રહ્યો હોવાના આક્ષેપ સાથે એક નોંધ લખેલી તે વાઈરલ થઈ હતી. જેથી પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી નદીસરની શાળામાં તપાસ અર્થે આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓ જણાવતાં ભણતર માટે આખા વર્ગના વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. રડમસ અવાજે વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ શિક્ષણાધિકારીને અમને કશું ભણાવ્યું ન હોવાની રજૂઆત કરી હતી. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનો એક મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો.