Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોબાઇલમાં સતત ગેમ રમતા ગેમ એડિક્ટ, ગેમમાં એટલા તલ્લીન થઇ જતા હોય છે કે તેને આ મુદ્દે સ્વજનો દ્વારા અપાતો ઠપકો પણ માઠો લાગે છે અને ગુસ્સામાં અવિચારી પગલું ભરી લે છે. આવી જ એક ઘટના ટંકારામાં બની હતી. ટંકારામાં ઉગમણા નાકે રહેતો અતુલ ઉર્ફે વિજય બટુકભાઇ ચાવડા (ઉ.વ.26) ગત તા.16ના પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો. અનેક સ્થળે શોધખોળ કરવા છતાં અતુલનો ક્યાંય પત્તો નહીં લાગતાં અતુલના ગુમ થવા અંગે ચાવડા પરિવારે ટંકારા પોલીસમાં જાણ કરતાં ચાવડા પરિવાર અને ટંકારા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રવિવારે સાંજે ટંકારના નસીતપર ગામ નજીક ડેમી-2 ડેમમાંથી એક યુવકની લાશ મળી આવતાં ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં લાશ ટંકારાના લાપતા યુવક અતુલની હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં અતુલે આપઘાત કર્યાનું અને આપઘાત પાછળ મોબાઇલ ગેમ રમવાની કુટેવ કારણભૂત હોવાનું ખુલ્યું હતું.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અતુલ બે ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા છૂટક મજૂરી કરે છે અને અતુલ પણ સેન્ટ્રીંગની મજૂરીકામ કરતો હતો. અતુલ ઉર્ફે વિજય મોબાઇલમાં સતત ગેમ રમતો હતો. તેને ગેમ રમવાની આદત પડી ગઇ હતી. સાંજે કામ પરથી આવ્યા બાદ મોડી રાત સુધી ગેમ રમતો હોય સવારે મોડો ઉઠતો હતો અને કામે જવામાં પણ મોડું થતું હતું. તા.16ના પણ તે મોડો ઉઠતાં તેની માતા મીનાબેને મોબાઇલ પર ગેમ રમવાના મુદ્દે તેને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાનું માઠું લાગતાં અતુલ ઘર છોડીને જતો રહ્યો હતો અને તા.18ની સાંજે તેની ડેમમાંથી લાશ મળી હતી. લાશ ફુલાઇ ગઇ હોવાથી તેનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.