જાપાનમાં ઝડપી ગતિએ વધતી વસતીને કારણે સરકાર રાજધાની ટોક્યો સહિત અન્ય મહાનગરોને છોડવા માટે દરેક બાળકના હિસાબથી 6 લાખ 36 હજાર રૂપિયા આપી રહી છે. જેથી કરીને તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઇને વસવાટ કરી શકે. જાપાન સરકાર અનુસાર યુવા માતાપિતા જો ટોક્યો છોડીને અન્ય સ્થળોએ વસવાટ કરે છે તો તેઓને અન્ય સુવિધાઓ પણ અપાશે.
સરકારને આશા છે કે 2027 સુધી 10,000 લોકો ટોક્યોથી ગ્રામ્ય ક્ષેત્રો તરફ જશે. વાસ્તવમાં, દુનિયાના કેટલાક દેશો વસતીવધારાથી પરેશાન છે. તેમાં ભારત, ચીન અને જાપાન જેવા દેશો સામેલ છે. રાજધાની દિલ્હીથી લઇને બેઇજિંગ અને ટોક્યોમાં વસતી સતત વધી રહી છે. આ વસતીને ઘટાડવા માટે જાપાન સરકારે રસપ્રદ અને અસાધારણ રીત અપનાવી છે. એક રિપોર્ટ અનુસાર ટોક્યો દુનિયાનું સૌથી મોટું શહેર છે જેની વસતી 3.8 કરોડ છે. સરકારી આંકડાઓ અનુસાર જાપાનની વસતીમાં ઝડપી બદલાવ જોવા મળી રહ્યો છે. બાળકોની સંખ્યા તેજીથી ઘટી રહી છે અને 65થી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે.
તદુપરાંત, સરકારના તમામ પ્રયાસો છતાં બાળકોની સંખ્યા વધી રહી નથી. જાપાનમાં ખાલી થઇ ચૂકેલા કસબાઓ અને ગામડાંઓમાં ગ્રામ્ય જીવન પ્રત્યે લોકોને આકર્ષિત કરાઇ રહ્યા છે. તેના માટે ચાઇલ્ડકેર સુધી સરળ પહોંચ બનાવાઇ છે. કેટલાક વિસ્તારોમાં કેટલાક ફેરફાર પણ કરાઇ રહ્યા છે.