રાજકોટનાં ડો. દસ્તુર માર્ગ પર રેલવે નાળાની કામગીરી આગળ વધારવામાં આવશે. ગત બજેટમાં આ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં અગાઉ રેલવેને રૂ. 2.73 કરોડ ચુકવવામાં આવ્યા હતા. જોકે રિવાઇઝડ એસ્ટીમેન્ટ મુજબ રેલવે દ્વારા વધુ રૂપિયા 1.39 કરોડની માગ કરાઈ હતી. મનપાએ રકમ ચૂકવવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત સહિતની પ્રક્રિયા કરવાની હોવાથી રેલવે દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જોકે હવે મનપા દ્વારા બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે રેલવે આ નાળા માટે ખાસ બનાવેલા બોક્સોને પુશ ટેકનોલોજીથી ખસેડી રસ્તો કરી આપશે. ટૂંક સમયમાં આ નાળું તૈયાર થતા હજારો વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં હાલ એસ્ટ્રોન ચોક અને હેમુગઢવી હોલ પાછળ એમ બે નાળા આવેલા છે. જોકે આ બંને સ્થળે ભારે ટ્રાફિક રહેતો હોવાથી મનપાએ ગત બજેટમાં ડો. દસ્તુર માર્ગનાં છેડે વધુ એક નાળું બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટેની તમામ કાર્યવાહી કરી અંદાજે રૂ. 4 કરોડની આ કામગીરી માટે રેલવે વિભાગને 2.73 કરોડ ચૂકવી દીધા હતા. જોકે રેલવેએ રિવાઇઝડ એસ્ટીમેન્ટ કરીને બાકીની રકમ રૂ. 1.39 કરોડ ભરવાની માગ કરી હતી. આ રકમ ભરપાઈ નહીં થતા કામ બંધ કરવામાં આવ્યું હતું. જોકે આ અગાઉ રેલવે વિભાગે નાળા માટેના બોક્સ બનાવ્યા હતા. જે હાલ પણ ત્યાં પડ્યા છે.