હિંદુ કેલેન્ડરનો મહા મહિનો 22 જાન્યુઆરીથી શરૂ થઇને 20 ફેબ્રુઆરી સુધી રહેશે. આ મહિનામાં અનેક મોટા વ્રત અને તહેવાર આવે છે. જેમાં તીર્થ સ્નાન, દાન અને પૂજા-પાઠ કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે અને પુણ્યફળ પણ મળે છે.
પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિનામાં જાપ, હોમ અને દાનનું વિશેષ મહત્ત્વ છે. આ ત્રણ વસ્તુઓને પોતાના રોજિંદા કાર્યોમાં સામેલ કરવાનું વિશેષ મહત્ત્વ છે. મહા મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન, અનેક પ્રકારના દાન કરવાથી અને ભગવાન વિષ્ણુનું મનન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે.
વ્રત અને પૂજાઃ મહા મહિનામાં ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સાથે જ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઇએ. આ મહિને સૂર્યના ત્વષ્ટા સ્વરૂપની પૂજા કરવી જોઇએ. પુરાણોમાં જણાવ્યું છે કે આ મહિને ભગવાન કૃષ્ણ અને શિવજીની પૂજા પણ કરવી જોઇએ. શિવ પૂજામાં તલના તેલનો દીવો પ્રગટાવવાથી શારીરિક પરેશાનીઓ થતી નથી. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિના દરમિયાન મંગળ અને ગુરુવારનું વ્રત કરવાથી વિશેષ ફળ મળે છે.
સ્નાન-દાનઃ મહાભારત અને અન્ય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ. પરંતુ મહામારીના કારણે આવું ન કરી શકો તો ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા નાખીને નાહવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. સાથે જ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. તેનાથી અનેક જન્મોના પાપ દૂર થાય છે. આ મહિને તાંબાના વાસણમાં તલ ભરીને દાન કરવું જોઇએ.