દેશમાં નાણાકીય વર્ષ 2023ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વેપાર ખાધમાં આંશિક ઘટાડો તેમજ સેવા નિકાસમાં મજબૂત વૃદ્ધિને પગલે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) ઘટીને જીડીપીના 0.2% અથવા $1.3 અબજ નોંધાઇ છે. RBI અનુસાર દેશની ચાલુ ખાતાની ખાધ વર્ષ અગાઉના $13.4 અબજ, વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરના $16.8 અબજથી ઘટીને વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં ઘટીને $1.3 અબજ નોંધાઇ છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી આયાત-નિકાસ વેપારમાં ઘટાડો રહ્યો છે. જોકે, નિકાસ વેપાર ઘટવાના કારણે દેશની ચાલુ ખાતાની ખાદ્ય પર મોટી અસર જોવા મળી નથી. તમામ સેગમેન્ટમાં દેશમાં આયાત પરની નિર્ભરતા ઘટવા લાગી છે પરંતું વૈશ્વિક આર્થિક સંકટના કારણે નિકાસ વેપારમાં જે વૃદ્ધિ થવી જોઇએ તે થતી નથી જેના કારણે ચાલુ ખાતાની ખાદ્યમાં મોટો ફરક જોવા મળ્યો નથી. ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન CADમાં ક્રમિક રીતે ઘટાડો મુખ્યત્વે દેશની વેપાર ખાધમાં થયેલા ઘટાડાને કારણે નોંધાયો છે. દેશની વેપાર ખાધ ગત ક્વાર્ટરના $71.3 અબજથી ઘટીને ચોથા ક્વાર્ટર દરમિયાન $52.6 અબજ નોંધાઇ હતી. દેશની સેવા નિકાસમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. કમ્પ્યુટર સર્વિસમાં આવકમાં વૃદ્ધિને કારણે વાર્ષિક અને ક્રમિક રીતે નેટ સર્વિસ રીસિપ્ટ્સમાં પણ વધારો જોવા મળ્યો છે.