રિઝર્વ બેન્કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARCs)ને લોનની રિકવરી માટે તમામ સંભવિત રીતો અપનાવ્યા બાદ જ લોનધારકો સાથે સેટલમેન્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. રિઝર્વ બેન્કે માસ્ટર ડાયરેક્શન રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ)ના 2024ના નિર્દેશોમાં સુધારો કર્યો છે. દરેક ARCએ લોન લેનારાઓ દ્વારા ચૂકવવાપાત્ર લેણાની પતાવટ માટે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ તૈયાર કરવી જોઇએ.
પોલિસીમાં અન્ય બાબતોની સાથે વન ટાઇમ સેટલમેન્ટની પાત્રતા માટેની કટ ઑફ તારીખ સહિતનાં કેટલાંક પાસાં આવરી લેવા જોઇએ. લેણાની વસૂલાત માટેની તમામ સંભવિત રીતોની તપાસ કર્યા બાદ અને અપનાવ્યા બાદ છેલ્લા સેટલમેન્ટને જ સૌથી સારો વિકલ્પ ગણવામાં આવશે.
તે ઉપરાંત, સેટલમેન્ટની રકમ એક સાથે ચૂકવવી જોઇએ. જ્યારે સેટલમેન્ટ માટે એક જ હપ્તામાં સમગ્ર રકમની ચુકવણીની કલ્પના શક્ય ન હોય ત્યારે પ્રસ્તાવ સ્વીકાર્ય બિઝનેસ પ્લાન, સંભવિત આવક અને લોનધારકોના રોકડ પ્રવાહને સુસંગત હોવો જોઇએ. જે કેસમાં લોનધારકો પાસેથી લેવાની થતી રકમ રૂ.1 કરોડ કે તેનાથી ઓછી હોય તેવા કેસને લઇને શું કરી શકાય તે અંગેની પ્રક્રિયાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આરબીઆઈએ એમ પણ જણાવ્યું હતું કે સુધારેલા માળખા હેઠળ લોન લેનારાઓ સાથેના સેટલમેન્ટની સમજૂતી અન્ય કોઈ પણ કાયદાની જોગવાઈઓ સાથે પૂર્વગ્રહ વિના હોવી જોઈએ.