કેનેડા સરકાર તેમના દેશમાં વિદેશી ડૉક્ટરોની એન્ટ્રી સરળ કરવા જઇ રહી છે. સરકારે વિદેશી પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ડૉક્ટરોની પ્રેક્ટિસ અને લાઇસન્સ આપવાની પ્રક્રિયાના નિયમોમાં ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેનેડામાં વિદેશી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માટે પ્રેક્ટિસનો સાત વર્ષનો અનુભવ ઘટાડીને બે વર્ષ કરી દેવાયો છે.
લાઇસન્સ આપવાની પ્રક્રિયા પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી સૌથી વધુ ફાયદો કેનેડામાં પ્રેક્ટિસ કરવા ઇચ્છુક ભારતીય ડૉક્ટરોને થશે.
કેનેડિયન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન હેરિટેજના મતે, કેનેડામાં હાલ આઠ હજારથી વધુ ભારતીય ડૉક્ટર કાર્યરત છે. એક અનુમાન પ્રમાણે, કેનેડામાં દર દસમાંથી એક ડૉક્ટર ભારતીય છે. કેનેડામાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત છે.
કેનેડામાં મેડિકલ બેઠકો ઓછી, બહાર ભણવા જતા વિદ્યાર્થીઓમાંથી ઓછા પાછા આવે છે
1 કેનેડામાં ડૉક્ટરોની અછતનું મોટું કારણ છે, મેડિકલ કોલેજોમાં ઓછી બેઠકો. અહીં દર વર્ષે આશરે 3500 વિદ્યાર્થી મેડિકલનો અભ્યાસ કરવા અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા કે આયર્લેન્ડ જેવા દેશોમાં જાય છે.
2 અમેરિકા અને કેનેડાથી બહાર મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રેક્ટિસ કરવા સાત વર્ષના અનુભવની જરૂર હોય છે. તેથી મોટા ભાગના પાછા જ નથી આવતા અને બીજા દેશોમાં જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે.
3 કેનેડામાં સરળતાથી પરમેનેન્ટ રેસિડન્સી નથી મળતી. તેના માટે અરજી કરવાથી ત્રણ વર્ષનો અનુભવ અને આશરે એક વર્ષનો સ્કિલ્ડ વર્ક અનુભવ મંગાયછે. એટલે અરજી કરનારાએ આશરે ચાર વર્ષ રાહ જોવી પડે છે.