સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પકડાયેલા સગા માસાને કોર્ટે જીવનના અંતિમ શ્વાસ એટલે કે કુદરતી મૃત્યુ સુધીનીઆજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. આ કેસની વિગતો એવી છે કે, ગત તા.17-5-2022ના રોજ મહિલા પોલીસમાં ફરિયાદ થઇ હતી જેમા મુંજકા નજીક આવેલા વિસ્તારમાં રહેતી સગીરાની બહેન અને તેના પતિ મોતિયાના ઓપરેશન માટે આવ્યા હતા અને તેના ઘરે રોકાયા હતા બાદ તેના ઘેર એકલી હતી ત્યારે તેના સગા માસાએ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હોવાની તેના પરિવારે ફરિયાદ કરી હતી
જેમાં મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી ધીરૂ બિજલભાઇ વેગડ (રહે.વલ્લભીપુર જિલ્લો ભાવનગર)ની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો અને આરોપી વિરૂધ્ધ પુરાવા મળી આવતા નામદાર પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ ત્યાર બાદ કેસ શરૂ થતા સગીરાની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી જેમાં આ બનાવની સંપૂર્ણ હકીકત જણાવેલ તેમજ તબીબ અને તપાસ કરનાર અધિકારીની જુબાનીમાં બાદ સરકારી વકીલે દલીલો કરી હતી જેમાં આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો હોય અને આરોપી ભોગ બનનાર સગીરાનો સગો માસો થતો હોય આવા આરોપીને સખ્ત સજા કરવાની રજૂઆતો બાદ જજે આરોપી ધીરૂ વેગડને કુદરતી રીતે મૃત્યુ ન થાય એટલે કે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા તથા ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.