વેસ્ટ ઈન્ડિઝે ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 37 રને હરાવ્યું છે. આ હાર છતાં ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
પર્થમાં મંગળવારે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 221 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રન જ બનાવી શકી હતી.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને શેરફેન રધરફોર્ડે અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 67 બોલમાં 139 રનની ભાગીદારી થઈ હતી. T20 ઈતિહાસમાં છઠ્ઠી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉનો રેકોર્ડ પોલાર્ડ અને ફેબિયન એલન (84 રન)ની ભાગીદારીના નામે હતો.
મુલાકાતી વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રસેલે સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. તેણે 29 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. શેરફેન રધરફોર્ડે 40 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 67 રનની ઇનિંગ રમી હતી.
બાર્ટલેટ ઉપરાંત યજમાન ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એરોન હાર્ડી અને એડમ ઝામ્પાને એક-એક વિકેટ મળી હતી.