છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના વેલ્યૂએશનમાં ઘટાડો થયો છે. એક વર્ષમાં લીગની વેલ્યૂમાં 10.6%નો ઘટાડો થયો છે. 2023માં IPLની કુલ કિંમત 92.5 હજાર કરોડ રૂપિયા હતી. 2024માં તે 82.7 હજાર કરોડ રૂપિયા રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની વેલ્યુએશન રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે. વેલ્યુએશન સર્વિસ પ્રોવાઈડર ફર્મ ડી એન્ડ પી એડવાઈઝરીના અભ્યાસમાંથી આ માહિતી બહાર આવી છે.
અભ્યાસ મુજબ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની વેલ્યૂ વધી છે. એક વર્ષમાં 8% નો વધારો થયો છે. 2023માં WPLની વેલ્યૂ 1250 કરોડ રૂપિયા હતું. હવે તે 1350 કરોડ રૂપિયા થઈ ગયો છે.
અભ્યાસ મુજબ ભારતમાં ક્રિકેટ બ્રોડકાસ્ટિંગ મોનોપોલી વધવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં IPLની વેલ્યૂ ઘટી છે. મોનોપોલી એટલે એક કંપનીનું વર્ચસ્વ વધારવું. રિલાયન્સ અને ડિઝની સ્ટારના વિલીનીકરણથી લીગના પ્રસારણ અધિકારો માટેની સ્પર્ધામાં ઘટાડો થયો છે.
અગાઉ આ બંને કંપનીઓ વચ્ચે IPLના રાઈટ્સ ખરીદવા માટે સ્પર્ધા થતી હતી. સોની સ્પોર્ટ્સ પણ સ્પર્ધામાં હતી. હવે સોની અને ઝીના મર્જરમાં અવરોધ અને ડિઝની હોટસ્ટારના મર્જરને કારણે આ મામલે સ્પર્ધા ઘણી ઓછી થઈ ગઈ છે.