તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપે ખતરનાક તબાહી મચાવી છે. આ બંને દેશોમાં અત્યાર સુધી 36 હજારથી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. આ દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદે તુર્કી સાથે જોડાયેલી 2 બોર્ડર ક્રોસિંગ ખોલવાની ઘોષણા કરી છે. જેના દ્વારા UN ભૂકંપ સાથે જોડાયેલી રાહત સામગ્રી સીરિયા મોકલી શકે. આવતાં 3 મહિના સુધી દેશવાસીઓની મદદ માટે આ બોર્ડર ખુલ્લી રહેશે. 2011માં સીરિયામાં શરૂ થયેલાં સિવિલ વોર પછી પહેલીવાર આ સીમાઓ ખોલવામાં આવી છે.
આ પહેલાં સોમવારે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઉત્તર-પશ્ચિમી સીરિયામાં લોકોની મદદ કરવામાં આખી દુનિયા અસફળ રહી છે. આ વિસ્તારમાં આતંકીઓનો કબજો છે. UNના જણાવ્યા પ્રમાણે સીરિયામાં 53 લાખ લોકો બેઘર થઈ શકે છે. બંને દેશોમાં 9 લાખ લોકોને તરત ગરમ ભોજનની જરૂરિયાત છે.
ત્યાં જ, તુર્કીના એક બિઝનેસ ગ્રુપના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં દેશ ઉપર 84 બિલિયન ડોલર એટલે 6946 અબજ રૂપિયાના ખર્ચનો ભાર આવી શકે છે. જેમાં 70.8 બિલિયન ડોલર બિલ્ડિંગનું સમારકામ કરવામાં લાગશે. સરકારને 10.4 બિલિયન ડોલરનું નુકસાન થશે. દેશભરમાં કામ ઠપ થવાથી 2.9 બિલિયન ડોલરની હાનિ થશે.