ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં લીગ સ્ટેજની અડધી મેચો પૂરી થઈ ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) એ ટોપ પર પહોંચીને બધાને ચોંકાવી દીધા છે, જ્યારે હૈદરાબાદ અને દિલ્હી નબળી ટીમ સાબિત થઈ રહી છે.
શરૂઆતની મેચ હાઈ સ્કોરિંગ હતી. હવે નાના ટાર્ગેટ પણ ડિફેન્ડ થવા લાગ્યા છે. મોટાભાગની મેચમાં પરિણામ માટે છેલ્લી ઓવર સુધી રાહ જોવી પડે છે. 3 વર્ષ પછી લીગ હોમ એન્ડ અવે બેસિસ પર યોજાઈ રહી છે પરંતુ હોમ એડવાન્ટેજ મળી નથી રહ્યો. ટીમ ઘરઆંગણે તેમની 57.14% મેચ હારી છે. મોટાભાગની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી રહી છે, પરંતુ તેમને માત્ર 42.86% મેચમાં જ સફળતા મળી રહી છે.
સાઈ સુદર્શન અને તિલક વર્મા જેવા યુવા મિડલ ઓર્ડર બેટર IPLની શરૂઆતની મેચમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતવાની રેસમાં હતા. હવે અડધી આઈપીએલ પૂરી થઈ ગઈ છે, ઓપનિંગ બેટર્સે ઓરેન્જ કેપ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી લીધું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ઓપનર ફાફ ડુ પ્લેસિસ 405 રન સાથે ટોચ પર છે.
તેમના પછી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ડેવોન કોનવે, દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન ડેવિડ વોર્નર, ગુજરાત ટાઇટન્સ (GT)ના શુભમન ગિલ અને RCBના વિરાટ કોહલી છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ ખેલાડીઓ ઓપનર છે. આ 5 ખેલાડીઓ પછી પણ રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, વેંકટેશ અય્યર, ગ્લેન મેક્સવેલ, જોસ બટલર અને કાયલ મેયર્સ જેવા ટોપ ઓર્ડર બેટર્સ ઓરેન્જ કેપ જીતવાની રેસમાં આગળ છે.