ચીનમાં માનવાધિકારોના ધજાગરા ઊડી રહ્યા છે. શિનજિયાંગમાં ઉઇગર, વંશીય અને ધાર્મિક લઘુમતીઓ હેવાનિયતનો શિકાર છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન આતંકવાદ અને ઉગ્રવાદ સામે કાર્યવાહીના નામે અત્યાચાર કરી રહ્યું છે. શિનજિયાંગમાં ઉઇગર તથા અન્ય મુસ્લિમ સમૂહોને 2017થી 2019 દરમિયાન તેમના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવાયા. તેમને બંધક બનાવી યાતનાઓ અપાઇ રહી છે. મુસ્લિમ મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવ બની રહ્યા છે તો પુરુષોની પરાણે નસબંધી કરી દેવાય છે. તેમની સાથે ગુલામો જેવું વર્તન કરાય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ચીનમાં થઇ રહેલો આ અત્યાચાર માનવતા વિરુદ્ધનો ગુનો છે.
બંદી શિબિરોમાં 10 લાખ ઉઇગરો કેદ છે. 45 પેજના આ રિપોર્ટમાં મોટી સંખ્યામાં ઉઇગર મુસ્લિમો લાપતા હોવાનો પણ દાવો કરાયો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવાયું છે કે ચીને તેના રોજગાર નિયમો અને નીતિઓ વૈશ્વિક માપદંડોને અનુરૂપ કરવા જોઇએ. ચીનમાં જાતિ અને ધર્મના આધારે લોકોને ટારગેટ કરાય છે. ભેદભાવપૂર્ણ વર્તનને કારણે ઉઇગરો શોષિત અને દબાયેલા-કચડાયેલા હોવાનું અનુભવે છે.
સંયુક્ત રાષ્ટ્રનાં હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ મિશેલ બેચલેટે ચીનમાં માનવાધિકારો અંગેનો આ રિપોર્ટ તેમનો કાર્યકાળ પૂરો થવાની 13 મિનિટ પહેલાં જારી કર્યો. તેઓ ગત ડિસે.માં રિપોર્ટ જારી કરવાનું કહેતાં હતાં પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે તેમની ટીકા પણ થઇ હતી.