રાજકોટના ઉમરાળીમાં રહેતા પ્રૌઢ અને તેના ભત્રીજા પર ગામમાં જ રહેતા વ્યાજખોર પિતા-પુત્રએ હુમલો કરતાં ઘવાયેલા કાકા ભત્રીજા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, વ્યાજખોરોએ 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા વધુ રકમ ચૂકવાઇ ગઇ હોવા છતાં નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હોય પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.
ઉમરાળી ગામે રહેતા પ્રફૂલચંદ્ર નાનાલાલ જોશી (ઉ.વ.55) શનિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ગામમાં જ રહેતો કનુ પીઠા ડવ અને તેનો પુત્ર કુલદીપ ડવ ત્યાં ધસી ગયા હતા અને શેરીમાં ઊભા રહી ગાળો ભાંડવા લાગ્યા હતા, પ્રફૂલચંદ્ર ઘરની બહાર નીકળતાં હમણાથી કેમ વ્યાજ આપતો નથી તેમ કહી પિતા-પુત્ર તેના પર લાકડીથી તૂટી પડ્યા હતા, પ્રફૂલચંદ્રને બચાવવા દોડેલા તેના ભત્રીજા બિપીનભાઇ ભાનુભાઇ જોશી (ઉ.વ.39)ને પણ હુમલાખોરોએ માર માર્યો હતો, હુમલો થતાં દેકારો મચી જતાં હુમલાખોર પિતા-પુત્ર નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા કાકા ભત્રીજાને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.