ભારતે મૂડી આકર્ષિત કરવા માટે વર્ષ 2047 સુધીમાં ગ્રીન એનર્જીના મુખ્ય નિકાસકાર બનવું જોઇએ તેવું જી20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું. રાયસીના ડાયલોગને સંબોધિત કરતા કાંતે જણાવ્યું હતું કે આજનો પડકાર ક્લાઇમેટ ચેન્જ છે અને વર્લ્ડ બેન્કે ક્લાઇમેટ બેન્ક બનવાની જરૂર છે.
તદુપરાંત, તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં તમામ રોકાણ રિન્યુએબલ સેક્ટરમાં આવશે અને દેશમાં હરિત ઉર્જા બાદ વધુ મૂડી આકર્ષિત કરી શકાશે. વૈશ્વિક દક્ષિણ ક્ષેત્રમાં અલગ માર્ગ અપનાવાય તે જરૂરી છે અને પ્રત્યેક દેશ દ્વારા રિન્યુએબલ એનર્જી પર વધુ ભાર અપાય તે પણ સમયની માંગ છે.
કાંતે ડાયલોગ દરમિયાન વધુમાં ઉમેર્યું હતું કે અત્યારે ખાસ કરીને વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જનો જે ચિંતાનો વિષય છે તેના પર તમામ દેશો એકજૂટ થાય અને કામ કરવામાં આવે તે સમયની જરૂરિયાત છે. ભારતે હંમેશા ક્લાઇમેટ ફંડિગ તેમજ ક્લાઇમેટ ચેન્જના ઉકેલ માટે ટેક્નોલોજીના વ્યાપકપણે ઉપયોગની હિમાયત કરી છે. ક્લાઇમેટ ફાઇનાન્સિંગ એટલે ક્લાઇમેટ ચેન્જ માટે જરૂરી પગલાં લેવા માટે જરૂરી ફંડનો ઉપયોગ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ ક્લાઇમેટ ચેન્જના પડકારોને દૂર કરવા માટે ફરીથી રચના અને રિસ્ટ્રક્ચરિંગ પર ધ્યાન આપવું જોઇએ. યોગ્ય પોલિસી ફ્રેમવર્ક એ પુન:પ્રાપ્ય ઉર્જાના પ્રયાસોને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રને તેમાં સક્રિય કરવા માટે ખૂબ જરૂરી છે.