દિલ્હીમાં આજે અને આવતીકાલે G-20 દેશોના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક પહેલા બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી બુધવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન, ક્લેવરલીએ 14મી ફેબ્રુઆરીએ બીબીસીની દિલ્હી અને મુંબઈ ઑફિસમાં આવકવેરા વિભાગના સર્વેનો મુદ્દો ઉઠાવ્યો.
ક્લેવરલીએ એમ પણ કહ્યું કે બીબીસી એક સ્વતંત્ર સંસ્થા છે અને સરકાર અલગ છે. તેમણે ડોક્યુમેન્ટરી જોઈ નથી, પરંતુ યુકે અને ભારતની પ્રતિક્રિયાઓ જોઈ છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કહ્યું- જયશંકરે બ્રિટિશ વિદેશ મંત્રીને કહ્યું છે કે ભારતમાં કામ કરતી તમામ કંપનીઓએ દેશના નિયમો અને કાયદાનું પાલન કરવું પડશે.
જેમ્સે કહ્યું- ભારત સાથે વ્યાપક રીતે કામ કરી રહ્યા છીએ
દરમિયાન, ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર જેમ્સે કહ્યું કે અમે ભારત સાથે વ્યાપક રીતે કામ કરી રહ્યા છીએ. હું ભારતના વેપાર સચિવને મળીશ. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આ વેપાર સોદાથી વાસ્તવમાં બંને દેશોને ફાયદો થાય.