ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 80 વર્ષીય વૃદ્ધના મૃત્યુના મામલે એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના 16 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ખાતે બની હતી.
DGCAએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ મોકલી હતી. જવાબ મળ્યા બાદ DGCAએ એરલાઈનને દોષિત માનીને દંડ ફટકાર્યો છે. આ કપલ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યું હતું.
એરલાઈને DGCAને જણાવ્યું હતું કે મૃતક તેમની પત્ની સાથે ઈમિગ્રેશન ક્લિયરન્સની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા હતા. તેમની પત્ની વ્હીલચેરમાં હતી. તે દિવસે વ્હીલચેરની માગ પણ ઘણી વધારે હતી. આ કારણે અમે તેમને થોડીવાર રાહ જોવાનું કહ્યું જેથી અમે બીજી વ્હીલચેરની વ્યવસ્થા કરી શકીએ. પરંતુ, તેઓ તેમની પત્ની સાથે પગપાળા ચાલવા લાગ્યા.
થોડીવાર ચાલ્યા પછી વૃદ્ધ નીચે પડી ગયા. મુંબઈ એરપોર્ટ પર તબીબી સુવિધા પૂરી પાડ્યા બાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું હતું.