રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભર ગરમી અને તડકો રહ્યા બાદ સાંજે 4 કલાકે વાદળો છવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે ત્રણ દિવસ વાદળો છવાયેલા રહેશે.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર ગરમી વધતા તેમજ નોર્થ સાઉથ દિશામાં ઊભા થયેલ ટ્રર્ફ, હવાના હળવા દબાણને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તેમજ હાલમાં ઉત્તર-દક્ષિણ ભારત સુધી ટ્રફ લાઇન પસાર થાય છે. જેની અસર જોવા મળી રહી છે.
રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો
જોકે રાજકોટમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ત્રણ દિવસ બાદ ગરમી ક્રમશ: વધશે. રાજકોટમાં સાંજે 4.00 કલાકે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળો છવાતા જાણે વહેલી સવાર હોય તેવો અનુભવ થયો હતો. સામાન્ય રીતે માર્ચ માસમાં સાંજે 6.30 કલાક સુધી તડકો જોવા મળતો હોય છે, પરંતુ શુક્રવારે તેનાથી અલગ વાતાવરણ હતું.