વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્વિતતાઓ વચ્ચે સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી છતાં પણ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દેશમાં ફેબ્રુઆરી મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ રૂ. 15,685 કરોડ સાથે 9 મહિનાના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યું છે. જે જાન્યુઆરીના રૂ.12,546 કરોડ તેમજ ડિસેમ્બરના રૂ.7,303 કરોડથી પણ વધુ છે. ફેબ્રુઆરી દરમિયાન ઇક્વિટી સ્કીમ્સમાં કુલ રૂ.15,865 કરોડનું રોકાણ જોવા મળ્યું છે. જે મે, 2022થી સર્વોચ્ચ સ્તરે છે. જ્યારે કુલ રૂ.18,529 કરોડનું રોકાણ નોંધાયું હતું. FPI દ્વારા સતત વેચવાલી વચ્ચે સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી છતાં રોકાણકારોએ સતર્કતા સાથે રોકાણ કરવાનું યથાવત્ રાખ્યું છે તેવું FYERS ખાતે રિસર્ચ હેડ ગોપાલ કાવલિરેડ્ડીએ જણાવ્યું હતું.
તદુપરાંત, ઓક્ટોબર, 2022થી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં પણ રોકાણ દર મહિને રૂ.13,000 કરોડના સરેરાશ સ્તર કરતાં ઉપર રહ્યું છે. ઇક્વિટી ફંડમાં સેક્ટોરલ ફંડ્સમાં રૂ.3,856 કરોડ, સ્મોલ કેપ ફંડ્સમાં રૂ.2,246 કરોડ અને મલ્ટિ કેપ ફંડ્સમાં રૂ.1,977 કરોડનું રોકાણ નોંધાયું છે. જ્યારે ઇન્ડેક્સ ફંડ્સ પણ રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહેતા તેમાં રૂ.6,244 કરોડનું રોકાણ થયું છે. ગોલ્ડ ETFsમાં પણ રૂ.165 કરોડનું રોકાણ થયું છે.