યુપીની રાજધાની લખનઉની લેવાના હોટલમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. અહીં ઘણા લોકો ફસાયેલા છે, બારી તોડીને તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ 15 જેટલા લાકો અંદર ફસાયા હોવાના સમાચાર છે.
ધુમાડાના ગોટેગોટા ભરાવાને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા છે. કેટલાક લોકો દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ફાયરની 15 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે.
સવારે 7.30 વાગ્યાની આસપાસ લેવાના હોટલના રૂમમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો. હોટલ સ્ટાફને 8 વાગે તેની જાણ થઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ સ્ટાફ દ્વારા લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો હતો. હોટલની આસપાસ હાજર લોકોએ જણાવ્યું કે ઘણા લોકો જાતે જ બારીઓ તોડીને બહાર નીકળી ગયા હતા. ઘણા લોકો હાથમાં પોતાનો સામાન લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતુ કે હોટલમાં કુલ 30 રૂમ છે, જેમાંથી 18 રૂમમાં લોકો હતા. 30 થી 35 લોકો રૂમોમાં હાજર હતા. પ્રથમ માળ પર બેન્ક્વેટ હોલ છે. અહીં ઘણા લોકો હતા. ઘણા લોકો વહેલી સવારે જ હોટલની બહાર નીકળી ગયા હતા.