ગુરૂવારે રાત્રે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, સતત ગુટકાનું સેવન કરતી એક મહિલા રાત્રે મોંમાં ગુટકા મસાલો રાખીને ઊંઘવાની ટેવ ધરાવતી હતી. આ મહિલાનું રાત્રીના બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું તે બેભાન થઇ ત્યારે પણ તેના મોંમાં મસાલો હતો.
શહેરના લાતીપ્લોટમાં રહેતી લક્ષ્મીબેન અરવિંદભાઇ યાદવ નામની 30 વર્ષની મહિલા ગુરૂવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. મૃતક લક્ષ્મીબેનના પતિ અરવિંદ યાદવે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે ઉત્તરપ્રદેશનો વતની છે,
તેની પત્નીને અગાઉ બે વખત મીસડિલિવરી થઇ ગઇ હોવાથી સંતાનો નથી. પત્ની લક્ષ્મીબેનને ગુટકા મસાલો ખાવાની કૂટેવ હતી અને તે રાત્રે પણ મસાલો મોંમાં ભરીને સૂતી હતી. ગુરૂવારે રાત્રે બારેક વાગ્યે તે પાણી પીવા માટે નિંદ્રામાંથી ઊઠી હતી અને પાણી પીવા જતાં તે વાસણ પર પટકાઇ હતી અને બેભાન થઇ ગઇ હતી તે વખતે પણ તેના મોંમાં ગુટકા મસાલો ભર્યો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. હાર્ટ એટેકથી મહિલાનું મૃત્યુ થયાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હતું, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.