દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનું ડૂબવાથી મોત થયું છે. પોલીસે જણાવ્યું કે શનિવારે સાંજે પાણી ભરાયાં બાદ માહિતી મળી હતી કે ભોંયરામાં બનેલી લાઇબ્રેરીમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બેઝમેન્ટમાં પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન NDRF અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાતથી સવાર સુધીમાં બે વિદ્યાર્થીની અને એક છોકરાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. NDRFએ જણાવ્યું કે 14 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કાર્ય પૂર્ણ થયું છે. ફાઈનલ રાઉન્ડ માટે શોધખોળ ચાલી રહી છે.
અકસ્માત બાદ વિદ્યાર્થીઓએ મોડી રાતથી MCD વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. સવારે વિરોધ કરી રહેલા એક વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે 8-10 લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.