શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં સોમવારે ધોરણ 10માં વિજ્ઞાન વિષયનું પેપર લેવાયું હતું. વિજ્ઞાનના પેપરમાં રાજકોટ જિલ્લામાં 763 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે 42,954 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી. વિજ્ઞાનના પેપર અંગે વિષય નિષ્ણાતે જણાવ્યું હતું કે, એકદમ સરળ ન હતું પણ મધ્યમ કક્ષાનું હતું.
પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો જ પૂછાયા હતા. પ્રવૃત્તિ આધારિત પ્રશ્નો વધુ પૂછાયા હતા. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરવાની પ્રવૃત્તિ, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ, માનવમાં બાળકનું લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે, મેઘધનુષની રચના આકૃતિ દોરી સમજાવો તેવા પ્રશ્નો પૂછાયા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં સોમવારે બપોરે ગણિતનું પેપર લેવાયું હતું.