દેશમાં ઉર્જા મંત્રાલય દ્વારા સકારાત્મક નીતિને કારણે નાણાકીય વર્ષ 2026 સુધીમાં પવન ઉર્જાના વાર્ષિક ઉત્પાદનમાં 6-8 ગિગાવોટ્સનો વધારો જોવા મળી શકે છે. જે છેલ્લા પાંચ નાણાકીય વર્ષના 1.6 ગીગાવોટ્સના ગ્રોથ કરતાં 4 ગણું વધારે છે. ક્રિસિલના વિશ્લેષણ અનુસાર, નાણાકીય વર્ષ 2018થી વધુ હરાજીને કારણે પણ પવન ઉર્જાના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ પ્રક્રિયાને કારણે ઓછા ટેરિફ જોવા મળ્યા જેને રાજ્યની વિતરણ કંપનીઓ દ્વારા આવકારવામાં આવ્યા પરંતુ ઓછા રિટર્નને કારણે ડેવલપર્સને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ઓછું ઇન્સેન્ટિવ પ્રાપ્ત થયું. જમીનના હસ્તાંતરણ તેમજ સ્થળાંતર માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના પણ વિલંબ થયો હતો.
રિવર્સ ઓક્શન હેઠળ, દરેક બિડર્સ એક ઓપન ઇ-પ્લેટફોર્મ પર સ્પર્ધા કરે છે તેમજ બધા જ સહભાગીઓને કિંમત દેખાઇ શકે એ રીતે દરોમાં ફેરફાર કરે છે. નાણાકીય વર્ષ 2018 પહેલાં, પ્રોજેક્ટ્સને ફીડ-ઇન ટેરિફ હેઠળ હતા, જ્યાં સ્પર્ધાત્મક બોલી વગર લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ હેઠળ ઉત્પાદકોને ડિસ્કોમ દ્વારા નિશ્વિત દરો પર ચૂકવણી કરવામાં આવી હતી. સોલર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2018-21 દરમિયાન આપવામાં આવેલા પ્રોજેક્ટ્સમાંથી માત્ર 41 ટકા પ્રોજેક્ટ્સ ડિસેમ્બર 2022 સુધી કાર્યાન્વિત થયા હતા, જ્યારે 23 ટકા પ્રોજેક્ટ્સ રદ થયા હતા તેમજ બાકીના પ્રોજેક્ટ્સ જમીનના હસ્તાંતરણ તેમજ સપ્લાય ચેઇનમાં અડચણોને કારણે વિલંબમાં હતા.