તહેવારોની સિઝન પહેલાં દેશના સર્વિસ સેક્ટરે ઉત્તમ દેખાવ કર્યો છે. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓગસ્ટમાં વધીને 57.2 થઈ ગયો, જે અનુમાનથી વધુ છે. સર્વિસ સેક્ટરની ગતિવિધિ જોતાં જુદી જુદી રેટિંગ એજન્સીઓએ તેનું સ્તર 55 રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જુલાઈમાં તે 55.5 હતું. ખાસ વાત એ છે કે, આ સતત 13મો મહિનો છે જેમાં પીએમઆઈ 50થી વધુ રહ્યું છે.
સર્વિસ સેક્ટરે ઓગસ્ટમાં સારો દેખાવ કર્યો તેનું કારણ નવા વેપાર શરૂ થયા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ કારણથી સર્વિસ સેક્ટરમાં નવી નોકરીઓ પણ વધી છે. એસએન્ડપીના સરવેમાં જાણવા મળ્યું છે કે ઓગસ્ટમાં 14 વર્ષ પછી સૌથી વધુ નોકરી વધી છે, જેમાં સૌથી વધુ યોગદાન સર્વિસ સેક્ટરનું છે. આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે કારણ કે દેશની જીડીપીમાં 50%થી વધુ યોગદાન સર્વિસ સેક્ટરનું જ છે.
આ ક્ષેત્ર પર કોરોનાની સૌથી વધુ અસર થઈ હતી. એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના એસોસિયેટ ડિરેક્ટર પોલીન્નાડી. લીમા કહે છે કે કોરોના મહામારીને લગતા પ્રતિબંધો ખતમ થયાની સકારાત્મક અસર હવે જોવા મળી રહી છે.
બીજા ત્રિમાસિકના મધ્યમાં સર્વિસ સેક્ટરમાં જોરદાર વધારો થયો છે. આ તેજી સાથે આ ક્ષેત્રે જુલાઈમાં ગુમાવેલું નુકસાન પણ ભરપાઈ કરી લીધું છે.