ભરૂચની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ઝડપી પાડેલાં બોગસ ગોલ્ડ ટ્રેડિંગના કારસાનો પર્દાફાશ કર્યો છે. જેમાં ટીમે 6 આરોપીઓની ધરપકડ પણ કરી છે. પ્રાથમિક તપાસમાં ટીમે 27 એકાઉન્ટમાં કુલ 30 કરોડની હેરાફેરીનો કારસો ઝડપી પાડ્યો હતો. જે બાદ તપાસને આગળ ધપાવતાં બીજા ચરણની તપાસમાં અન્ય એક બેન્કના 9 એકાઉન્ટમાં ભેજાબાજોએ કુલ 120 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બોગસ ગોલ્ડ ટ્રેડિંગના કારસાનો પર્દાફાશનો આંક 150 કરોડને આંબી ગયો
ભરૂચના એસપી ડો. લીના પાટીલ દ્વારા સાયબર ક્રાઇમને લગતાં કિસ્સાઓમાં ખાસ ઇન્વેસ્ટિગેશન કરવાની સુચના અપાઇ હતી.જેના પગલે સાયબર ક્રાઇમની ટીમે ભરૂચના એક નિવૃત્ત શખ્સને ગોલ્ડ ટ્રેડિંગમાં 40 ટકાનું રિટર્ન મળવાની લાલચ આપી 42 લાખની ઠગાઇ કરનારાઓની તપાસ શરૂ કરી હતી. જેમાં તેમણે 6 આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. તેમની એમઓના આધારે ઝડપાયેલાં સોહેલે સુરતના કઠોર ગામે 25 હજારની લોનની લાલચમાં ખોલાવેલ 27 બેન્ક એકાઉન્ટમાં કુલ 30 કરોડથી વધુ રકમની હેરાફેરી થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
બેન્કના 9 ખાતામાં ટ્રાન્સફર કર્યાંનું ફલીત થયું
જેમાં ટીમ વધુ ઉંડાણમાં ઉતરતાં ભેજાબાજોએ ભરૂચના નિવૃત્ત શખ્સના રૂપિયા બીજા ચરણમાં આઇસીઆઇસીઆઇ બેન્કના 9 ખાતામાં ટ્રાન્સફર કર્યાંનું ફલીત થયું હતું. જે એકાઉન્ટની વિગતો મંગાવતાં તેમાં ભેજાબાજોએ અત્યાર સુધીમાં 120 કરોડથી વધુ રૂપિયાની હેરફેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.