રાજ્યભરમાં સુશોભનના નામે વિદેશી પ્રજાતિના કોનાકાર્પસ વૃક્ષની ઘણી આડઅસરો જોવા મળી રહી છે. તે ભૂગર્ભ જળનું તો નિકંદન કાઢે જ છે સાથે સાથે તેના ફૂલના રજ માનવજીવન માટે પણ રોગ નોતરી રહ્યા છે. આ પરાગરજને કારણે અસ્થમા, ઈન્ફેક્શન, એલર્જી સહિતના કેસ બહાર આવ્યા છે. આ બધા દુષ્પ્રભાવને લઈને ભારે વિરોધ બાદ પ્રતિબંધ તો મુકાયો પણ તેની અમલવારી થઈ નથી.
કોનાકાર્પસને કારણે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, છોડ તેમજ પશુ પંખી સુધીઓને ઘણા નુકસાન થયા છે. જેને લઈને ચોતરફથી ફરિયાદો આવતા સાધુ-સંતોએ આ વિદેશી વૃક્ષ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી હતી. પ્રતિબંધ તો મુકાઈ ગયો પણ યોગ્ય અમલવારી નથી થઈ. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતો સુધી તો આ આદેશ હજુ પહોંચ્યો જ ન હોય તેમ તેવી સ્થિતિ છે. અમુક વિસ્તારોને બાદ કરતા ક્યાંય પણ કોનાકાર્પસને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી. જેને લઈને ઘણી જગ્યાએ હજુ પણ આ વિદેશી છોડ રોપાઈ રહ્યા છે અને બેફામ વેચાઈ રહ્યા છે.