યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ બંને દેશોમાંથી લોકો મોટા પાયે સ્થળાંતર કરી રહ્યા છે. દરમિયાન રશિયાની સંસદના નીચલા ગૃહ સ્ટેટ ડ્યૂમાએ સેનામાં સેવા સાથે જોડાયેલા કાયદાને મંજૂરી આપી છે. આમાં જોગવાઇ કરાઇ છે કે સેનામાં બોલાવવામાં આવેલ કોઇ પણ વ્યક્તિને દેશની બહાર જવાની મંજૂરી અપાશે નહીં. આને રશિયન સેનામાં ફરજિયાત ભરતી યોજના તરીકે જોવામાં આવે છે. હકીકતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે સેનામાં આશરે ત્રણ લાખ વધુ જવાનોની ભરતી કરાશે.
ત્યારબાદ રશિયામાંથી લોકો અને ખાસ કરીને યુવાનો મોટા પાયે અન્ય દેશોમાં સ્થળાંતર કરવા લાગ્યા હતા.આ નવા કાયદાના કારણે રશિયનોની ચિંતા વધી ગઇ છે. રશિયનોને લાગે છે કે યુક્રેન યુદ્ધ માટે તેમને બળજબરીપૂર્વક સેનામાં ભરતી કરવામાં આવી શકે છે. અલબત્ત આ કાયદાને હજુ સુધી ઉપલા ગૃહની મંજૂરી મળી નથી.