ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયા એમ્પલોયમેન્ટ રિપોર્ટ 2024 મુજબ ગુજરાત પુરુષોમાં રોજગારની સ્થિતિ સંદર્ભે દેશમાં ત્રીજા ક્રમે છે, જ્યારે મહિલા રોજગારીમાં 13મા સ્થાને છે. એકંદરે ગુજરાત રોજગાર સ્થિતિ સૂચકાંકમાં પાંચમા ક્રમે છે. જ્યારે દિલ્હી પહેલા ક્રમે છે. 2012માં ગુજરાત આ મામલે દસમા ક્રમે હતું. રિપોર્ટ મુજબ, દેશના શિક્ષિત યુવાનોમાં સૌથી ઓછો 10.66% બેરોજગારી દર ગુજરાતમાં છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2022ની માહિતીના આધારે નિયમિત નોકરી કરતાં લોકો, વર્કર પોપ્યુલેશન રેશિયો, ગરીબી રેખા નીચે સ્વરોજગાર મેળવતા લોકો, અનિયમિત કામદારો, કર્મચારીઓની માસિક આવક અને શિક્ષિત બેરોજગારી દર જેવા માપદંડોને આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15થી વધુ ઉંમરના નિયમિત નોકરી કરતા કર્મચારીઓ 10.44% છે. આ મામલે ગુજરાત દેશમાં 12મા ક્રમે છે. જ્યારે દિલ્હીમાં 29.10% કર્મચારીઓ નિયમિત નોકરી ધરાવે છે. રાજ્યમાં 15થી વધુ ઉંમરના લોકોમાં વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ 53.66% છે. પુરુષોમાં 78% અને મહિલાઓમાં 28% પાર્ટિસિપેશન રેટ છે. આ મામલે ગુજરાત 7મા ક્રમે છે. રાજ્યમાં કેઝ્યુઅલ વર્કરની સરેરાશ માસિક આવક 7,354 રૂપિયા છે. ગરીબી રેખા નીચે જીવતા; સ્વરોજગાર મેળવતા લોકોના પ્રમાણમાં ઘટાડો થયો છે.