સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે સતત અપાતા પ્રોત્સાહન તેમજ ગ્રાહકોમાં ઇકો ફ્રેન્ડલી વાહનોને લઇને વધતી જાગૃતિના ફળસ્વરૂપે આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં અનેકગણો ઉછાળો આવશે અને વર્ષ 2030 સુધી ઇવીનું વેચાણ 30 ટકા વધશે તેવી અપેક્ષા ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકો સેવી રહ્યાં છે.
વર્લ્ડ ઇવી દિવસ આવી રહ્યો છે ત્યારે ઉત્પાદકોએ ખાસ કરીને ગ્રાહકોની જરૂરિયાત અનુરૂપ વધુ સારું પરફોર્મન્સ આપતા તેમજ સારી ડિઝાઇન ધરાવતા ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. કિયા ઇન્ડિયાના CFO મ્યુંગ સિક સોને જણાવ્યું હતું કે ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ પરિવહનના સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવા ઉપરાંત સરકાર દ્વારા EVને અપનાવવા માટે કરાઇ રહેલી પહેલને સહારે ભારતમાં મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઉભી થશે.
એથર એનર્જીના સહ સ્થાપક અને CEO તરુણ મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં પરિવહન માટે ટકાઉ માધ્યમ માટેનો ટ્રેન્ડ શરૂ થયો છે અને વિશિષ્ટ રીતે ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો તેમજ પ્રદૂષણ મુક્ત વિશ્વ માટે EVs સૌથી મોટી આશા છે અને EVsની ઝડપી સ્વીકાર્યતા એ તરફનું પ્રથમ પગલું છે. સતત વધતી માંગ દર્શાવે છે કે ગ્રાહકો હવે ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિનથી ઇવી તરફ વળી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીએ ગ્રાહકોને જરૂરિયાતને અનુરૂપ વધુ સારું પરફોર્મન્સ આપતા વાહનો ઓફર કરવા જોઇએ. દુનિયાભરના મોટા ભાગના શહેરો ટકાઉ પરિવહન માટે લોકો દ્વારા ઇલેક્ટ્રિક વાહનો મારફતે અવરજવરને પ્રાધાન્ય આપવા આવે તે જરૂરી છે.