કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઈન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેઓએ સિલ્વર મેડલ જીત્યો હતો. ગેમ્સમાં પહેલીવાર વિમેન્સ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યુ હતુ. તેવામાં આ ઐતિહાસિક મેડલ મળ્યા પછી જશ્નમાં ડૂબેલા દેશને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એક નિવેદનથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર સતત ગાંગુલીની આલોચના કરવામાં આવી રહી છે.
ફેન્સને પસંદ ના આવી અભિનંદનની આપવાની રીત
વાત એમ છે કે ફાઈનલ મેચમાં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 9 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ 1998માં મેન્સની ટીમને ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યુ હતુ. ત્યારે મેન્સ ટીમ મેડલ જીતી શકી નહોતી. આ જ કારણથી લોકો વિમેન્સ ટીમના પરફોર્મંસને બીરદાવી રહ્યા છે.
આ વચ્ચે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના અભિનંદન દેવાની રીત લોકોને પસંદ આવી રહી નથી. ઘણા ફેન્સ કહી રહ્યા છે કે દેશમાં સુવિધાઓની અછત હોવા છતાં દેશ માટે મેડલ લઈ આવનારા ખેલાડીઓ ઉપર નિરાશ થવાને બદલે ગર્વ થવો જોઈએ.
શક્તિશાળી બોર્ડના અધ્યક્ષ છતાં ભાષામાં કોઈ નમ્રતા નહોતી
ગાંગુલીએ વિમેન્સ ક્રિકેટ ટીમને વધાવતા લખ્યુ હતુ કે 'ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને સિલ્વર મેડલ જીતવા પર ઘણી જ શુભેચ્છાઓ, પરંતુ તેઓ ઘરે નિરાશ થઈને જશે, કારણ કે આજે તેમની રમત જ એવી હતી.' આ નિવેદન પર યૂઝર્સ અને ફેન્સમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને ગાંગુલીને સખત ટ્રોલ કરવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યુ છે કે 'વિમેન્સ ટીમ ઉપર ગર્વ થવો જોઈએ, તેમણે નિરાશ થવાની જરૂર નહોતી.'
તો અન્ય એક યૂઝરે લખ્યુ હતુ કે 'એક શક્તિશાળી બોર્ડના પ્રમુખ થઈને આવો મેસેજ આપવો તે ઠીક નથી.' તે બીજા અન્ય એક યૂઝરે ગાંગુલીને પૂછ્યું હતુ કે, 'તમે કેટલા ફાઈનલ જીત્યા છો?'
હરમનપ્રીત કૌરની ધમાકેદાર ઇનિંગ બાદ પણ હારી ગયુ ભારત
ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બેથ મૂનીએ 65 રન કર્યા હતા. તો ભારત તરફથી મેઘના સિંહ અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી. ભારત 162 રનના લક્ષ્યાંકને ચેઝ કરતા 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રન કેપ્ટન હરમનપ્રીત કૌરે 65 રન બનાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એશ્લે ગાર્ડનરે 3 વિકેટ લીધી હતી.
અગાઉ ગ્રુપ રાઉન્ડમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો પાકિસ્તાન અને બાર્બાડોઝને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ ટીમે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.